Tuesday, June 6, 2017

This Lunar Month is the shortest month of 2017

હાલમાં ચાલતો જેઠ માસ આ વર્ષનો સૌથી નાનો મહિનો છે!!

ગરમી થી ત્રાહિમામ્ કરાવતો જેઠ માસ જેઠીયા તાપથી અળખામણો બની રહ્યો છે ત્યારે એક રોચક જાણકારી પ્રાપ્ત થઈ છે જ્યેષ્ઠ એટલે કે મોટો એવા સંસ્કૃત શબ્દ થી બનેલો જેઠ માસ આ વરસે ખરેખર નાનો દિયર એટલે કે નાનો બની ગયો છે. ( ગરમી ના દિવસો જેટલા જલ્દી ઓછા થાય એટલ સારા !!) સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે મહિનામાં 30 દિવસ હોય છે. 30 તિથિ હોય છે પરંતુ દર વખતે 30 દિવસ હોતા નથી. થોડું અટપટું લાગ્યું ? તો વિસ્તાર થી સમજવા પ્રયત્ન કરીએ. આ બાબતે ખગોળ વિજ્ઞાનના અભ્યાસુ અને કચ્છ એસ્ટ્રોનોમી ક્લબ ના પ્રમુખ નરેન્દ્ર ગોર સાગરએ સંશોધન કરતાં નોધ્યું કે આ વખતે જેઠ માસની લંબાઈ 29 દિવસ 6 કલાક 46 મિનિટની છે જે આ વર્ષના કોઈ પણ માસ કરતાં ટુંકા માં ટુંકી છે. ગત ફાગણ માસની લંબાઈ 29 દિવસ 14 કલાક 51 મિનિટ હતી જે 8 કલાક 05 મિનિટ વધારે હતી. આ બાબતે વધુ પ્રકાશ પાડતાં શ્રી ગોર જણાવે છે કે આપણા મહિનાઓ ચંદ્રની પ્રુથ્વી આસપાસની ગતી ને ધ્યાન માં રાખીને બનાવવામાં આવ્યા છે. ચન્દ્રને પ્રુથ્વી આસપાસ એક ચક્કર મારી લેતાં 29.5 દિવસ લાગે છે. એટલે મહિનામાં ક્યારેક 30 દિવસ અને ક્યારેક 29 દિવસ હોય છે. આ સમય ગાળો સરાસરી છે પરંતુ દરેક મહિનો સરખા અંતરનો હોતો નથી. ચન્દ્ર પ્રુથ્વીની લંબગોળ કક્ષામાં ફરતો હોઈ જ્યારે ચન્દ્ર પ્રુથ્વીની નજીકના અંતરે હોય ત્યારે મહિનો ટુંકો હોય છે જ્યારે તે દુર હોય છે ત્યારે મહિનો મોટો હોય છે. હાલમાં મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમજાન મહિનો ચાલે છે. મુસ્લિમ માસ પણ ચન્દ્રની ગતી આધારીત હોઈ આ વખતે રોજા ની સંખ્યા 30 ને બદલે 29 થવાની શક્યતા વધારે જણાય છે. નોંધવા લાયક બાબત એ છે કે જ્યારે ચાન્દ્ર માસ ટુંકામાં ટુંકો હોય ત્યારે અમાસના દિવસોની આસપાસ ચન્દ્ર પ્રુથ્વીથી સૌથી નજીકના અંતરે થી પસાર થાય છે. આવી જ રીતે સદીનો (વર્ષ 2001 થી 2100) લાંબામાં લાંબો મહિનો તા. 19 ડિસેંબર 2018 ના શરુ થતો પોષ મહિનો હશે! આ મહિનો 29 દિવસ 19 કલાક 47 મિનિટ નો હશે.

No comments:

Post a Comment