Thursday, February 16, 2023

Astro Tourisum A new Window for Tourisum એસ્ટ્રો ટુરિઝમ- - - પ્રવાસનની એક નવી બારી

એસ્ટ્રો ટુરિઝમ- - - પ્રવાસનની એક નવી બારી નરેન્દ્ર ગોર સાગર ૯૪૨૮૨૨૦૪૭૨ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દ્રષ્ટિ અને અમિતાભ બચ્ચનના શબ્દો “કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા” ના જાદુઈ શબ્દોથી કચ્છ પ્રવાસીઓનું માનિતું અને અનોખું પ્રવાસ ધામ બની ગયું છે. નવેમ્બર થી માર્ચ દરમિયાન પ્રવાસીઓના ધાડેધાડા કચ્છના સૌંદર્યનું પાન કરવા ઉમટી પડે છે. કચ્છ પાસે ઘણું છે. જે ને જે જોઈએ તે મળી રહે છે. અને સૌ જાણે છે તેમ અહીં આવતો કોઈ પણ પ્રવાસી અઢી અખરા કચ્છના પ્રથમ નજરે જ પ્રેમ માં પડી જાય છે. પરંતુ આજે કચ્છમાં ધરબાયેલા ઈતિહાસની નહીં પણ કચ્છની ધરતી ઉપરથી દેખાતા અવકાશી સૌંદર્યની વાત કરવી છે. વર્ષ ૨૦૦૮ - ૦૯ થી ગુજરાત સરકારના પ્રવાસન નિગમ દ્વારા રણ ઉત્સવની શરૂઆત થઈ ત્યારે સૌ પ્રથમ આ લખનારે વહિવટી તંત્રાને રણ ઉત્સવમાં રાત્રિ દરમિયાન પ્રવાસીઓને આકાશ દર્શન કરાવવાનો પ્રસ્તાવ રજુ કર્યો. કંઈક નવું અને લોકોને ગમશે તેવું વિચારી કલેક્ટરશ્રી તરફથી મંજુરી મળી ત્યારથી આજ દિન સુધી પ્રવાસીઓને રાત્રિ દરમિયાન ટેલિસ્કોપ તથા વિવિધ સાધનો દ્વારા આકાશ દર્શન તેમજ વિવિધ અવકાશી પિંડોની સવિસ્તર સમજ આપવામાં આવે છે. શરૂઆતની અગવડો છતાં આ કાર્ય સતત ચાલુ રાખવાથી “સ્ટાર ગેઝિંગ” એ રણ ઉત્સવનો અગત્યનો ભાગ બની ગયો છે. અત્યાર સુધીમાં હજારો પ્રવાસીઓ આ અવકાશી નઝારાનો આનંદ માણી ચુક્યા છે. પ્રવાસીઓના મળતા ઉત્સાહ વર્ધક પ્રતિભાવો બાદ પ્રવાસન નિગમ તથા રણ ઉત્સવનું સંચલન કરતા વિવિધ એકમોને તેની અગત્યતા સમજાઈ ગઈ છે. રણ ઉત્સવના ઉદ્ઘાટન વખતે કચ્છ કાર્નીવલમાં તત્સમયના મુખ્યમંત્રી અને હાલના વડા પ્રધાન માનનિય નરેન્દ્રભાઈ મોદીએ પોતાના પ્રવચનમાં પૂર્ણિમાની રાતના સફેદ રણના સૌંદર્યના વખાણ તો કર્યા જ પણ સાથોસાથ અમાસની કાળી દિબાંગ રાત્રીએ ટમટમતા તારલા ભર્યા રણના સૌંદર્યના વખાણ પણ કર્યા, જેણે અમારા પ્રયાસોને જોમ પૂરૂં પાડ્યું. હવે કચ્છ આવતા પ્રવાસીઓ રાત્રી દરમિયાન ક્યા સ્થળેથી સારૂં આકાશ દર્શન થઈ શકશે તેવી પૃછા કરતા થયા છે. કેટલાક પ્રવાસીઓ ખાસ આકાશ દર્શન કરવા માટે ફરીથી કચ્છની મુલાકાત લેતા થયા છે. તો કચ્છ આવતા પોતાના સ્નેહી, મિત્રોને આકાશ દર્શનનો લ્હાવો લેવા ભલામણ કરતા થયા છે. જે જોતાં એમ કહી શકાય કે કચ્છ ના પ્રવાસનની એક નવી બારી એસ્ટ્રો ટુરિઝમના નામે ઉઘડી રહી છે. કચ્છના આકાશમાં એવી કઈ વિશેષતા છે અથવા આકાશ દર્શન માટે કચ્છ શા માટે શ્રેષ્ઠ સ્થળ છે તે હવે જોઈએ. કચ્છ ૨૨’-૨૪” થી ૨૪’-૪૧” ઉત્તર અક્ષાંશ અને ૬૮’-૦૯” થી ૭૧’-૫૪” પુર્વ રેખાંશ વચ્ચે આવેલો સુકી આબોહવા વાળો પ્રદેશ છે. આકાશ દર્શન માટે સ્વચ્છ કાજળઘેરી અંધારી રાત હોવી જરૂરી છે. જે કચ્છમાં સહજ છે. ભારતમાં હવે બહુ ઓછા પ્રદેશો એવા રહ્યા છે જ્યાં 6.5 કે તેથી વધુ તેજાંક ધરાવતા તારા જોઈ શકાય. કચ્છ એમાંનું એક સ્થળ છે જ્યાં બારિક તારા, ક્લસ્ટર, નિહારિકા, આકાશગંગાઓ, નરી આંખે નિહાળી શકાય. કચ્છનું સફેદ રણ, મોટું રણ અને નાનું રણ તથા અન્ય ઘણાં સ્થળો એવાં છે જ્યાં 360 ડીગ્રી આકાશ એટલે કે ચારે બાજુની ક્ષિતિજ સહિતનું આકાશ સારી રીતે જોઈ શકાય છે. આકાશ દર્શનને નડતર રૂપ શહેરી પ્રકાશ, બહુમાળી ભવનો, ઉંચા ડુંગરો સિવાયનાં સપાટ મેદાની વિસ્તારો તથા આકાશ દર્શનને અનુરૂપ કાળા ડુંગર જેવા ઊંચાઈ વાળા સ્થળો કચ્છમાં ઘણા બધા છે. ભારતના મહાનગરોમાં તેમજ વિકસિત દેશોમાં આકાશ દર્શન માટે કે ઉલ્કા દર્શન જેવી અવકાશી ઘટના નિહળવા ૧૦૦ કિ.મી. કે તેથી વધુ દૂર જવું પડે તેવી સ્થિતિ છે. જ્યારે કચ્છમાં શહેરોથી ૧૦-૨૦ કિ.મી. દૂર પણ નિરિક્ષણ યોગ્ય આકાશ મળી રહે છે. સામાન્ય રીતે વર્ષા ઋતુને બાદ કરતાં કચ્છનું આકાશ વાદળો વગરનું રહેતું હોઈ વર્ષનો મોટા ભાગનો સમય આકાશ દર્શન માટે અનુકુળ હોય છે. મોટા ભાગના પ્રવાસીઓ શહેરી વિસ્તારમાંથી આવતા હોઈ આકાશ દર્શનના અદ્ભૂત અનુભવમાંથી પસાર થયા હોતા નથી, મને મળેલા ૯૦ ટકા ઉપરના પ્રવાસીઓએ કબુલ્યું હતું કે વિધ્યાર્થી અવસ્થામાં આવું સાંભળ્યું હતું પણ પ્રત્યક્ષ આકાશ દર્શન કરવાનો મોકો તેમને પ્રથમ વખત કચ્છના પ્રવાસ દરમિયાન મળ્યો હતો જે તેમના માટે સુખદ સંભારણારૂપ હતો. કર્ણોપકર્ણ થતા પ્રચારને લીધે કેટલાય લોકો હવે ખાસ આકાશ દર્શનનો લ્હાવો લેવા કચ્છનો પ્રવાસ ખેડતા થયા છે. સ્વીડન અને બેંગલૂરૂની બે મિત્રો ઔલતા અને અંકિતા મિથુન રાશીની ઉલ્કા વર્ષા જોવા માટે તંબુ નગરી ખાતે આવી હતી તો મેલોરેઈડ ડિમેલો નામના પ્રકૃતિપ્રેમીએ સહ પરિવાર મુંબઈ થી ભુજ સુધીની લોંગ ડ્રાઈવ ફક્ત આપણી આકાશ ગંગાના દુધિયા પટ્ટાને નિહાળવા માટે કરી હતી. આવા તો અનેક ઉદાહરણ છે. ધોળાવીરા સાઇટ વિશ્વ ધરોહર જાહેર થઈ છે ત્યારે ત્યાં આવગામની તથા રહેવાની સુવિધાઓ વધતાં ત્યાંનું મનોહર આકાશ પણ પ્રવાસીઓના દિલ જીતી શકે તેમ છે. આમ એસ્ટ્રો ટુરિઝમના વિકાસની પૂર્ણ તકો સ્વાભવિક પણે કચ્છમાં છે. ત્યારે તેના વિકાસ માટે કેટલાક પગલાં સરકારશ્રી તથા પ્રવાસન વિભાગ દ્વારા લેવાય તો સોનામાં સુગંધ ભળી શકે તેમ છે. કચ્છમાં નલિયાથી નારાયણ સરોવર રસ્તે, ભુજ થી સફેદ રણ જતા લોરિયા બાદના રસ્તે તેમજ આડેસર પાસે થી કર્ક વૃત પસાર થાય છે. તે પૈકી લોરિયા પાસેના સ્થળે વધુમાં વધુ પ્રવાસીઓની આવન જાવન હોઈ ત્યાં દિલ્હી/જયપુરમાં આવેલ જંતર મંતરની પ્રતિકૃતિ જેવી વેધશાળા સહિત સાયન્સ મ્યુઝિયમ ઉભું થઈ શકે, કર્ક વૃત ઉપર એક ફોટો પોઈંટ હોય તો સફેદ રણ તરફ જતા કે આવતા પ્રવાસીઓ માટે અનોખું આકર્ષણ બની શકે. કચ્છ આવતા પ્રવાસીઓમાં ગુજરાતની તેમજ બહારની શિક્ષણ સંસ્થાઓના લાખો વિદ્યાર્થીઓ પણ આવતા હોય છે. અને તેઓ કાળા ડુંગર તેમજ સફેદ રણની અવશ્ય મુલાકાત લેતા હોય છે. ત્યારે “કર્ક વૃત અહીંથી પસાર થાય છે” ના ફક્ત સાઈન બોર્ડને બદલે પ્લેનેટેરિઅમ, રાત્રી આકાશ દર્શન માટે સારા ટેલિસ્કોપ સાથેની સુવિધા વાળી ઓબ્ઝરવેટરી, તથા આપણા ખગોળીય વારસાને દર્શાવતું પ્રદર્શન સહિતનું સ્થળ બાળકોને આપણા પ્રાચિન વારસા માટે ગૌરવ સહિત આધુનિક વિજ્ઞાન પ્રત્યે રૂચી ઉત્પન્ન કરવામાં અનોખું યોગદાન આપી શકે તેમ છે. આકાશ દર્શન માટેના આદર્શ સ્થળોને અલગ તારવી તેની આજુબાજુ 5થી 10 કિમીની ત્રિજ્યાનો વિસ્તાર ઉદ્યોગો કે શહેરીકરણ માટે પ્રતિબંધિત જાહેર કરવો જોઈએ જેથી ભવિષ્ય માટે અંધારા આકાશના સ્થાનોને બચાવી શકાય. ધોળાવીરા થી ખાવડા વચ્ચેનો વિસ્તાર પ્રદૂષણ રહિત અને અંધારિયું છે, વચ્ચે આવતા બેટ જેવા વિસ્તારને નભોદર્શન માટે અનામત રાખી વાઇલ્ડ લાઈફ, પ્રદર્શન, વેધશાલા, જેવી વ્યવસ્થા ઊભી કરી વધુ ને વધુ પ્રવાસીઓને આકર્ષી શકાય, વર્ષ ૧૯૯૯ ના સંપૂર્ણ સુર્ય ગ્રહણનું નિરિક્ષણ કરવા દેશ વિદેશથી હજારો પ્રવાસીઓ, વૈજ્ઞાનિકો કચ્છ આવ્યા હતા. તેવી રીતે ઉલ્કા વર્ષા, ધુમકેતુ દર્શન, સુર્ય ગ્રહણ, ચન્દ્ર ગ્રહણ, જેવી અનોખી ખગોળીય ઘટનાને લઈને વધુ લોકો ને આકર્ષી શકાય તેમ છે. રણ ઉત્સવની જાહેરાતમાં પણ અલભ્ય અવકાશી નઝારાને સમાવી શકાય. પ્રવાસીઓને આવકારવા ભુજીયા ડુંગરની તળેટીમાં વિવિધ પ્રકલ્પો આકાર લઈ રહ્યા છે, ત્યારે કચ્છના આકાશના અદ્ભુત નઝારાની અનુભૂતિ કરાવતો પ્રકલ્પ પણ સામેલ થાય તે જરૂરી છે. આમ કચ્છમાં પ્રવાસન ઉદ્યોગના વિવિધ આયામો સાથે એસ્ટ્રો ટુરિઝમ પણ એક નવા આયામ તરીકે ઉભરી રહ્યું છે. ત્યારે તેનો વધુ વિકાસ કેમ કરી શકાય તે બાબતે વિચારવાનો સમય પાકી ગયો છે.