Sunday, June 23, 2013

Super Moon 23 June 2013

સુપર મુન (વિરાટ ચન્દ્ર)                  
લેખક : નરેન્દ્ર ગોર “સાગર” પ્રમુખ કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબ ભુજ ફોન ૯૪૨૮૨૨૦૪૭૨  

આગામી તા. 23મી જુનના રોજ સુપર મુન (વિરાટ ચન્દ્ર) ની ઘટના બનવાની છે ૨૦૧૩ના વર્ષમાં ચન્દ્ર પૃથ્વીની સૌથી નજીક આવશે. જે બાબતે લોકોમાં કેટલીક શંકા, ઉત્કંઠા તથા જીજ્ઞાસા છે પ્રસ્તુત લેખમાં પ્રશ્નો અને તેના જવાબ દ્વારા ઘટનાને સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
સુપર મુન એટલે શું?
ચન્દ્ર પૃથ્વીની આસપાસ દિર્ઘ વર્તુળાકાર કક્ષામાં પરિક્રમણ કરે છે. આથી ચન્દ્ર અને પૃથી વચ્ચેનું અંતર હમેશાં એક સરખું રહેતું નથી. ચન્દ્ર પૃથ્વીની નજીક આવે તેને ખગોળની ભાષામાં પેરિજી (નીચ બિંદુ)  કહેવાય છે અને  જ્યારે તે સૌથી દૂરના બિંદુએ હોય ત્યારે તેને એપિજી (ઉચ્ચ બિંદુ)  કહેવામાં આવે છે. ચન્દ્ર 27.3 દિવસમાં પૃથ્વીની પરિક્રમા પુરી કરતો હોઈ દર માસે એક વખત પૃથ્વીની નજીક અને દૂર આવતો હોય છે. જ્યારે કોઈ પદાર્થ આપણી આંખની નજીકના અંતરે હોય ત્યારે તેનું કદ મોટું જણાય છે અને જો તે દૂર હોય તો તેનું કદ નાનું દેખય છે. ચન્દ્ર જ્યારે પૃથ્વીની નજીક હોય તે દિવસે જો પૂનમ હોય તો અન્ય પૂનમના દિવસોએ દેખાતા ચન્દ્ર કરતાં તેનું કદ મોટું દેખાય છે. આ ઘટનાને સુપર મુનની ઘટના કહેવાય છે. અન્ય કોઈ દિવસોએ ચન્દ્ર પૃથ્વીની નજીક હોય ત્યારે પણ તેનું કદ મોટું દેખાય તે વખતે આપણું ધ્યાન જતું નથી. ચંદ્રનું કદ કેટલું મોટું દેખાશે તેનો આધાર ચન્દ્ર પૃથ્વીથી કેટલો નજીક આવ્યો છે તેના ઉપર રહેલો છે. ચન્દ્ર અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર 3,84,400 કિ,મી, છે. 23મી જુનના રોજ ચન્દ્ર પૃથ્વીથી 3,56,991 કિ.મી. હશે જે સામાન્ય અંતર કરતાં 27,409 કિ,મી, જેટલું નજીક હશે.
સુપર મુનની ઘટના કેવી રીતે નિહાળી શકાય? એ જોવાથી આંખને નુકશાન થાય ખરૂં?

સુપર મુનની ઘટનાને નિહાળવા માટેનો શ્રેષ્ઠ સમય તેના ઉદય અને અસ્તની આસપાસનો સમય છે. પૃથ્વી પરના પદાર્થો જેવા કે ઝાડ, ડુંગર, મકાનો, નદી, સમુદ્રની પૃષ્ઠભૂમિમાં ચન્દ્રને નિહાળવો એ લહાવો હોય છે. એટલે 23 તારીખે સાંજે સુર્યાસ્ત બાદ કે તા. 24ના સુર્યોદય પહેલાનો એક કે બે કલાકનો સમય ચન્દ્ર નિરિક્ષણ માટે ઉપયુક્ત સમય ગણી શકાય. સુપર મુનની ઘટના સાથે એક બીજી રસપ્રદ બાબતનો અનુભવ પણ લેવા જેવો છે. દૃષ્ટિભ્રમને કારણે ઉદય થતા કે અસ્ત થતા સુર્ય ચન્દ્ર આપણને તે હોય છે એના કરતાં મોટા કદના દેખાય છે. સુપર મુન વખતે ચન્દ્રનું કદ તો મોટું હશે જ તેની સાથે દૃષ્ટિભ્રમ મળતાં તે ઓર મોટો દેખાશે!!! નરી આંખે સુપરમુનને નિહાળવાથી આંખને કોઈ નુકશાન થતું નથી જેથી એની ચિંતા કરવી નહીં પરંતુ દુરબીન કે ટેલિસ્કોપથી પુનમનો ચન્દ્ર જોતા હોઈએ ત્યારે વધુ સમય એકીટશે ન જોતાં થોડી થોડી વારે આંખોને વિશ્રામ આપવો જોઈએ અથવા યોગ્ય ફિલ્ટર લગાવવા જોઈએ. 23મી જુન ના રોજ સાંજે 05-02 કલાકે પુનમ થાય છે જ્યારે સુપરમુનની ઘટના  05-24 કલાકે બનશે. આથી સાંજના સમયે ચન્દ્રનો ઉદય થાય તે સમય નિહાળવા માટેનો શ્રેષ્ઠ સમય છે. આ સાથે આપેલ કોઠામાં ગુજરાત ના વિવિધ સ્થળોના સુર્યાસ્ત અને ચન્દ્રોદયના સમય આપવામાં આવ્યા છે જે અનુસાર વાદળોનું વિજ્ઞ ન નડે તો સુપરમુનની ઘટના સારી રીતે નિહાળી શકાશે.

સુપરમુનને કારણે કોઈ અનિચ્છનિય ઘટના બને ખરી? દરિયામાં સુનામી કે વધુ ભરતી ઓટની શક્યતા ખરી?
સુપર મુન સમયે સુર્ય, પૃથ્વી અને ચન્દ્ર સીધી લીટીમાં આવતા હોવાથી તથા ચન્દ્ર પૃથ્વીની ખુબ નજીક હોવાથી દરિયામાં આવતી ભરતીનું પ્રમાણ થોડું વધારે હશે. સામાન્ય રીતે પુનમ-અમાસના આવતી મોટી ભરતી કરતાં તેનું પ્રમાણ સાધારણ વધારે હશે. ભારતમાં હાલે વિવિધ વિસ્તારોમાં અવિરત વરસાદ પડી રહ્યો છે ત્યારે દરિયાકાંઠાના પ્રદેશોમાં સુપર મુનના દિવસે પૂર જેવી પરિસ્થિતિ હોય અને તે વખતે જો મોટી ભરતી આવે તો નુકશાનની શક્યતા વધી જાય ખરી. સદર બાબતે સત્તાવાળાઓએ સાવચેતીના આગોતરા પગલાં ભરવા જોઈએ. આ જોખમ સુપર મુનના કારણે નહીં પણ મોટી ભરતી તથા અતિવૃષ્ટિ કે પૂરના પરિબળો એક સાથે બનતાં આ જોખમ ઉભું થાય છે. પરંતુ રાહતની બાબત એ છે કે સુપરમુનની ઘટના સાંજે 05-22 કલાકે બનશે જ્યારે ભરતીનો સમય બાર વાગ્યાની આસપાસનો હોવાથી જોખમ ઘટી જવા પામશે. આ સિવાય બીજી કોઈ અસર કે નુકશાન સુપરમુનના કારણે થતું નથી. આગાહીકારોની ભયજનક આગાહી કે કોઈ વ્યક્તિ વિશેષ માટે કરવામાં આવતા વરતારા ઉપર ધ્યાન આપ્યા વગર ખગોળીય ઘટનાનો આનંદ લેવો જોઈએ. તા. 23મી જુનના રોજ ચન્દ્ર પૃથ્વીથી 3,56,991 કિ,મી. દૂર હશે જ્યારે તેના બે અઠવાડિયા બાદ એટલેકે  7મી જુલાઈના ચન્દ્ર સૌથી દૂરના બિંદુએ હશે જ્યાંથી પૃથ્વીનું અંતર 4,06,490 કિ,મી, હશે. સામાન્ય રીતે દર માસે એક વખત ચન્દ્ર પૃથ્વીની નજીક તેમજ દુર આવતો હોય છે પરંતુ ચન્દ્રમાનું નજીક આવવું અને તે સમયે પુનમનું હોવુ એ એક સંયોગ હોઈ લોકોનું ધ્યાન વિશેષ પણે ખેંચાય છે. જેથી કોઈ અફવા ઉપર ધ્યાન આપ્યા વગર આ ઘટનાને માણવી જોઈએ.
હવે પછી આવી ઘટના ક્યારે બનશે?
હવે પછી 10મી ઓગષ્ટ 2014ના રોજ સુપરમુનની ઘટના બનશે જે દરમિયાન ચન્દ્ર 23મી જુન કરતાં ફક્ત 5 કિ.મી. જેટલો નજીક હશે. સામાન્ય રીતે બે સુપર મુનની વચ્ચે 1 વર્ષ 1 માસ 18 દિવસ જેટલું અંતર હોય છે. આ સાથે આપેલા કોઠામાં વર્ષ 2011થી 2016ની વિગત આપેલ છે જે જોતાં જણાશે કે દર વખતે ચન્દ્રનું અંતર અલગ અલગ છે. ચન્દ્ર ઉપર પૃથ્વી સિવાય સુર્ય તેમજ અન્ય ગ્રહોના ગુરુત્વાકર્ષણ બળનો પણ પ્રભાવ વર્તાતો હોવાના કારણે આવું બને છે. ઈ.સ. 1500થી 2500ના 1000 વર્ષ દરમિયાન 1 જાન્યુઆરી 2157ના દિવસે ચન્દ્ર પૃથ્વીથી 3,56,371 કિ,મી, ના અંતરે હશે જે 1000 વર્ષમાં સૌથી ઓછું અંતર હશે.
આ ઘટનાનું મહત્વ શું ?
આ ઘટના સામાન્ય જનો માટે કુતુહલનો વિષય છે. જ્યારે ખગોળ રસિકો માટે ચન્દ્રનું બારીકાઈથી નિરીક્ષણ કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે. ટેલિસ્કોપ ઉપર મુન ફિલ્ટર લગાવી ચન્દ્રના ખાડા (ક્રેટર), પહાડો, મારિયા નું અવલોકન સારી રીતે કરી શકાય છે. તો એસ્ટ્રો ફોટોગ્રાફીના શોખીનો માટે પણ સુંદર દ્રશ્યો કચકડે કંડારવાની સુવર્ણ તક ગણી શકાય.
સુપર મુન નિહાળવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે ખરી?
સામાન્ય રીતે સ્થાનિક એસ્ટ્રોનોમી ક્લબ તરફથી આવી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. આ વખતે વરસાદી માહોલ હોઈ આપની આસપાસ આવેલ એસ્ટ્રોનોમી ક્લબ, લોક વિજ્ઞાન કેન્દ્ર વિ. નો સંપર્ક સાધી આ ઘટના ને માણી શકાય તેમજ તેના વિશે વધુ જાણકારી મેળવી શકાય. એવું જો શક્ય ના બને તો ચન્દ્ર દર્શન માટે વિશેષ કોઈ સાવધાનીની આવશ્યક્તા ન હોઈ ખગોળીય ઘટનાનો જાતે પણ આનંદ મેળવી અન્યોને પણ ભાગીદાર બનાવી શકાય. અગાઉ જણાવ્યું તેમ દુરબીન કે ટેલિસ્કોપથી જોતી વખતે લાંબો સમય ચન્દ્રને નિહાળવો નહીં. વધુ માર્ગદર્શન માટે નરેન્દ્ર ગોર કચ્છ એસ્ટ્રોનોમી ક્લબ ભુજ કચ્છ  નો ૯૪૨૮૨૨૦૪૭૨ ઉપર સંપર્ક સાધી શકાય છે.