Friday, December 7, 2012

Geminids Meteor Shower

You Can read the report in English at

-મિથુન ઉલ્કા વર્ષા આ વખતે રંગ જમાવશે....
-કલાકની 50 થી વધુ ઉલ્કાઓ ખરવાની વૈજ્ઞાનિકોની આગાહી
-કચ્છનું અંધારૂં આકાશ ભારતના ખગોળ રસિકોને પણ ઘેલું લગાડી / આકર્ષી / રહ્યું છે.

ભુજ: ખગોળ રસિકોમાં સૌથી માનિતી મિથુન ઉલ્કા વર્ષાનો પ્રારંભ થઈ ચુક્યો છે. દર વરસે ૭ ડીસેંબર થી ૧૭ ડીસેંબર સુધી ચાલતી ઉલ્કા વર્ષા તા. ૧૨ અને ૧૩મી ડીસેંબરે ચરમ સીમાએ પહોંચશે. આમ ખગોળ રસિકો સાતમી તારીખ  થી જ ઉલ્કાઓનું નિરિક્ષણ અને નોંધ કરવા સજ્જ બની ગયા છે. ત્યારે સામાન્ય પ્રજાજનો તા. 12 ની રાત અને 13મી ની રાત ના રોજ આ નઝારો સારી રીતે માણી શકશે એવું જાણવા મળ્યું છે. આ બાબતે માહિતિ આપતાં કચ્છના જાણીતા ખગોળવિદ્ નરેન્દ્ર ગોર "સાગર" જણાવે છે કે ઉલ્કા વર્ષા નિહાળવા માટે શહેરથી દૂર અંધારૂં હોય તેવું સ્થળ પસંદ કરવું જોઈએ. 13મી તારીખે અમાસ હોવાથી ચન્દ્રની ગેરહાજરી ને કારણે વધારે ઉલ્કાઓ રાત્રે ૧ થી ૩ વાગ્યા વચ્ચે જોવા મળશે. 

છેલ્લા સમાચાર મુજબ તા. 13મી ની રાત્રીએ સૌથી વધારે ઉલ્કાઓ જોવા મળવાની શક્યતા છે.
બીજી મહત્વની વાત એ છે ઉલ્કાવર્ષાની ચરમ સીમા સમાપ્ત થયા બાદ કેટલાક સુંદર ફાયર બોલ પણ તારીખ ૧૪ અને ૧૫ ડીસે. ના જોવા મળી શકે છે. 

આ ઉલ્કાઓનું કેન્દ્ર મિથુન રાશીમાં આવેલું હોવાથી તેને મિથુન ઉલ્કા વર્ષાના નામે ઓળખવામાં આવે છે. મિથુન રાશીના પુરૂષ અને પ્રકૃતિ પૈકીના પ્રકૃતિ નામના તારા પાસે આ વર્ષાનું કેન્દ્ર આવેલું છે. જ્યારે મિથુન રાશી આકાશમાં મધ્ય ભાગે હોય ત્યારે એટલે કે મધ્ય રાત્રીના એક થી ત્રણ વચ્ચે સૌથી વધુ એટલે કે કલાકની 50 જેટલી ઉલ્કા નિહાળવા મળશે. બીજી ઉલ્કાઓના પ્રમાણમાં તેની ગતી ધીમી હોવાથી તેને જોવામાં સરળતા રહે છે. આ ઉલ્કાની ગતી સેકંડના 35 કિ.મી. થી વધુ એટલેકે કલાકના ૧,૨૬,૦૦૦ કિ.મી. ની હોય છે !!! મિથુનની ઉલ્કાઓ પીળાશ જેવા રંગની હોવાથી આકાશને રંગીન બનાવી દે છે. 

આ બાબતે વધુ માહિતી આપતાં શ્રી નરેન્દ્ર ગોર જણાવે છે કે જ્યાં લાઈટો નહીંવત્ત હોય તેવી જગ્યા ઉલ્કા નિરિક્ષણ માટે પસંદ કરવી જોઈએ. જે લોકો શહેરમાંથી નિરિક્ષણ કરતા હોય તેમણે જ્યાં ઓછો પ્રકાશ આવતો હોય તેવું સ્થળ પસંદ કરવું જોઈએ. આકાશમાં કોઈ એક જ સ્થળે નહીં પણ ઉલ્કાઓ ચારે બાજુ જોવા મળશે આથી આકાશમાં જે ભાગમાં વધુ અંધારૂં જણાતું હોય ત્યાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આપણી આંખ ને અંધારાથી ટેવાતાં દશ થી વીશ મિનિટ જેવો સમય લાગે છે જે ધ્યાને લઈ ધીરજથી નિરિક્ષણ કરવાથી વધુ સારી રીતે અવલોકન કરી શકાય છે. ઉલ્કાના નિરિક્ષણ માટે કોઈ ખાસ પ્રકારના સાધન જેવાંકે દૂરબીન કે ટેલિસ્કોપની આવશ્યક્તા નથી. નાના બાળકોએ વડિલ વ્યક્તિની દેખરેખમાં નિરિક્ષણ કરવું જોઈએ. ઠંડીની ઋતુ હોઈ ઉલ્કા નિરિક્ષકે યોગ્ય સાવધાની રાખવી જરૂરી છે. ખુલ્લી જગ્યાએ નીચે બેસવા કરતાં આરામ ખુરસી વધુ સલાહ ભરી કહી શકાય. ઘરના ધાબાં ઉપર બીછાના ઉપર સુઈને પણ નિરિક્ષણ કરી શકાય.

મિથુન ઉલ્કા વર્ષા 3200 ફાયેથન નામના અવકાશી પિંડ ના કારણે ઉદ્ભવી છે. અને છેલ્લા ૧૫૦ વર્ષથી નિયમીત રૂપે જોવા મળે છે.

કચ્છ્માં રણોત્સવની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અવકાશ નિરિક્ષકો પણ કચ્છના અંધાર ઘેરા આકાશના દર્શન કરવા ખેંચાઈ રહ્યા છે. ૨૦૧૨ ના વર્ષના વિદાય થતા મહિનામાં કુદરતની આતશબાજી નિહાળવા રસ ધરાવતા લોકો તેમના મિત્રો, જાણકારો પાસેથી માર્ગદર્શન મેળવી રહ્યા છે ત્યારે કચ્છના પ્રવાસ ક્ષેત્રી નવી બારી ખુલ્લી રહ્યાનાં સંકેત મળી રહ્યા છે. 

આ બાબતે વધુ માહિતિ માર્ગદર્શન માટે નરેન્દ્ર ગોર,
બાલાજી હોબી સેંટર સંધ્યા એપાર્ટમેંટ, 
જીલ્લા પંચાયત સામે 
ફોન ૯૪૨૮૨૨૦૪૭૨ ઉપર સંપર્ક કરવા યાદી માં જણાવવામાં આવે છે.

1 comment:

  1. Dates 1/2 October 2013 , 15 Nove 2013, 25/26/27 Decmber 2013
    http://ssd.jpl.nasa.gov/sbdb.cgi?sstr=C%2F2012%20S1;orb=1;cov=0;log=0;cad=0#orb
    Comet ISON 2013

    ReplyDelete