પ્રસ્તાવના:
દૂરબીનની
શોધ બાદ થનાર આઠમું અને માનવ જાતિ દ્વારા નિરીક્ષણ થનાર સાતમું શુક્ર
પારગમન (સંક્રમણ) તા. ૦૬ જુન ૨૦૧૨ ના રોજ થનાર છે. જ્યારે શુક્ર, પૃથ્વી અને સૂર્ય સીધી લીટીમાં અને એક સમતલમાં આવે છે ત્યારે શુક્ર ગ્રહ
ને સૂર્ય ઉપરથી કાળા બિંદુ સ્વરૂપે જોઈ શકાય છે આ ઘટનાને પારગમન (Transit) કહેવામાં
આવે છે. ઐતિહાસિક દ્રષ્ટીએ જોવા જઈએ તો સૂર્ય મંડળના વિસ્તાર, કદ અને અંતર બાબતે આપણી જાણકારી
વધારવામાં શુક્ર પારગમનની ભૂમિકા ખુબ મહત્વપૂર્ણ રહી છે. આ ઘટના સંપૂર્ણ સૂર્ય
ગ્રહણ જેવી કદાચ ભવ્ય ન લાગે પણ અતિ દુર્લભ ખગોળીય ઘટના હોવાને કારણે ખગોળ
વિજ્ઞાનીઓ તેમજ આમ જનતા માટે આ ઘટના અતિ મહત્વની છે. આઠ વર્ષ બાદ થતી આ ઘટના હવે
પછી ૧૦૫ વર્ષ બાદ એટલે કે ઈ.સ. ૨૧૧૭ માં જોવા મળશે! આમ દુનિયામાં હાલ જીવિત મનુષ્યો માટે આ
પારગમન જોવાની છેલ્લી તક ગણી
શકાય. આ લેખમાં શુક્ર પારગમનનો ઈતિહાસ, તેનું વૈજ્ઞાનિક મહત્વ, સૌન્દર્યની દેવી શુક્રની કેટલીક જાણી અજાણી વાતો, પારગમનના નિરીક્ષણ બાબતે
રાખવાની સાવધાનીની વાત કરવામાં આવી છે. જે આપના અખબાર, ટીવી ચેનલમાં જાહેર જનતામાં
વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે યોગ્ય પ્રસિદ્ધિ આપવા વિનંતી છે. આ બાબતે વિશેષ
માહિતિ માર્ગદર્શન માટે 9428220472 ઉપર ક્લબનો સંપર્ક સાધવા વિનંતી છે.
શુક્ર
પારગમનની વિરલ ખગોળિય ઘટનાને લોકો સારી રીતે માણી શકે તથા તે દ્વારા સમાજમાં અને
ખાસ કરીને વિદ્યાર્થીઓમાં જાગ્રુતિ આવે તે માટે કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબ
દ્વારા દર વખતની જેમ આ વખતે પણ
વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા છે. ભારત સરકારના વિજ્ઞાન પ્રસાર દ્વારા યોજાયેલ
રાષ્ટિય કક્ષાની તજજ્ઞોમાટેની તાલિમમાં ઉદયપુર ખાતે ક્લબના પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ
ગોર તથા બેંગલોર ખાતે ક્લબના મંત્રી નાનજીભાઈ જાજાણી એ ભાગ લીધો હતો. જેના
અનુસંધાને કચ્છમાં 15થી વધારે કાર્યશાળામાં 1500થી વધારે વિધ્યાર્થીઓ તથા
શિક્ષકોને માહિતી માર્ગદર્શન આપવામાં આવેલ છે. ગુજરાત સરકારના ગુજ્કોસ્ટ દ્વારા
અમદાવાદના સાયંસ સીટી ખાતે રાજ્યના લોક વિજ્ઞાન કેન્દ્રો માટે યોજાયેલ ખાસ
કાર્યશાળામાં ક્લબના શ્રી નરેન્દ્ર ગોરે તજજ્ઞ તરીકે ભાગ લીધેલ છે. તા.૨૬ મે ના
રોજ પાલનપુર લોક વિજ્ઞાન કેન્દ્રમાં યોજાયેલ કાર્યક્રમમાં તજજ્ઞ તરીકે પણ સેવા
આપેલ છે.
શુક્ર પારગમન ઇતિહાસમાં:
ઈ.સ.
પૂર્વે ૧૬૦૦ની આસપાસ બેબીલોનીયન શિલાલેખો માં પારગમન બાબતે આછડતો ઉલ્લેખ જોવા મળે
છે પરંતુ તેની કોઈ સ્પષ્ટ નોંઘ પ્રાપ્ત થઇ શકી નથી. એમ કહેવું અસ્થાને નહીં ગણાય
કે ગેલીલીઓ ગેલિલિ વિશ્વનો પ્રથમ માનવી હતો કે જેણે તેના દૂરબીનમાંથી ઈ.સ. ૧૬૦૯-૧૦ માં શુક્રને એક પ્રકાશિત ગોળા કરતાં કંઇક વિશેષ
સ્વરૂપે જોયું. તે વખતે
પ્રખ્યાત ખગોળશાસ્ત્રી જોહાનસ કેપ્લર તે સમયની સ્થાપિત પૃથ્વીકેન્દ્રી સુર્યમાળાના
સિદ્ધાંત સામે પોતાની શોધ રજુ કરી રહ્યો હતો. તેણે આગાહી કરી હતી કે 6 ડીસેમ્બર
1631ના રોજ શુક્ર ગ્રહ સૂર્ય બિંબ ઉપરથી પસાર થશે. પરંતુ કમનશીબે આ ઘટના યુરોપમાં
ક્યાંય પણ જોવા મળી નહીં. શુક્ર પારગમનનું સૌ પ્રથમ વખત નિરિક્ષણ કરનાર બ્રિટીશ
ખગોળશાસ્ત્રી જેરેમિયાહ્ હોર્રોક્સ અને તેનો મિત્ર વિલિયમ કેબ્ટ્રી
હતા. આ પારગમન વિશ્વનું પ્રથમ પારગમન હતું જેની અગાઉથી ગણતરી કરી આગાહી કરવામાં
આવી હતી તથા તેની નોંધ રાખવામાં આવી હતી. હોર્રોક્સે કેપ્લર કરતાં સચોટ ગણતરી કરી
હતી.
પારગમનની
મદદથી આપણી સૂર્યમાળાનું કદ તથા પૃથ્વી-શુક્ર-સૂર્ય વચ્ચેનું અંતર વિસ્થાપનાભાસની
મદદથી જાણી શકાય છે તેમ જ્યારે એડમંડ હેલી અને અન્ય વૈજ્ઞાનિકોએ સુચવ્યું ત્યારે
આવનારા પારગમન માટે વૈજ્ઞાનિકોની સાથે સાથે લોકોની પણ ઉત્સુકતા ખુબ વધી ગઈ. 05 જુન
1761 ના દિવસે થયેલ પારગમનને દુનિયાભરના 176 વૈજ્ઞાનિકોએ નિરિક્ષણ કર્યુ. રશીયન
ખગોળશાસ્ત્રી મીખાઈલ લોમોનોસોવે વિચિત્ર બાબતની નોંધ કરી. શુક્રની કાળી વર્તુળાકાર
સપાટીની આસપાસ તેણે સુંદર તેજોમય વર્તુળ જોયું..... આવું વર્તુળ તો જ જોવા મળે જો
શુક્રને વાતાવરણ હોય.
03 જુન
1769 ના પારગમન વખતે વૈજ્ઞાનિકોએ અલગ અલગ બાબતોને ધ્યાનમાં રાખીને પોતાના
અભિયાનોનું આયોજન કર્યું હતું. જેમાં જેમ્સ કૂક, ક્રિસ્ટિયન મેયર તેમજ અન્ય
વૈજ્ઞાનિકોએ જુદા જુદા નવ સ્થળોએથી નિરિક્ષણ કર્યું. જેમ્સ કુકે તાહિતી ટાપુના જે
ભાગ ઉપરથી નિરિક્ષણ કર્યું તે સ્થળ આજે પણ “વિનસ પોઈંટ” તરીકે ઓળખાય છે. ફ્રાંસનો
ખગોળશાસ્ત્રી લી જેન્ટીલ કે જે ભારતના પોંડિચેરી ખાતે નિરિક્ષણ કરવા આવેલ તેણે
1761નું તેમજ 1769નું પારગમન જોવાની તક ગુમાવી હતી. જેમ્સ કુક અને તેના મિત્રોએ
વળતા પ્રવાસ દરમિયાન ન્યુઝીલેંડની શોધ કરી તથા ઓસ્ટ્રેલિયાના અજાણ્યા તટ પ્રદેશોની
શોધ કરી આમ શુક્ર પારગમનના પ્રવાસથી જેમ્સ કૂક વિશ્વ વિખ્યાત સાહસિક સાગર ખેડૂ
તરીકે જાણીતો બની ગયો.
09
ડિસેમ્બર 1874ના થયેલા શુક્ર પારગમનને ભારતમાં ઓરીસ્સાના શ્રી ચન્દ્રશેખર સામંતે
તથા દક્ષીણ ભારતના ખગોળવિદ્ શાસ્ત્રી રઘુનાથચારીએ નિરિક્ષણ કર્યું તથા તેનો અહેવાલ
પ્રકશિત કર્યો હતો. 06 ડીસેમ્બર 1882ના પારગમન વખતે દુનિયાભરના હજારો લોકોએ તેનું
નિરિક્ષણ કર્યુ હતું તથા આ ઘટનાએ
વર્તમાનપત્રોમાં પ્રથમ પાને સ્થાન મેળવ્યું હતું આધુનિક સાધનો દ્વારા તેનું
નિરિક્ષણ તથા ફોટાઓ પાડવામાં આવ્યા હતા. આ પારગમન વખતે એકઠા થયેલા આંકડાઓનું
વિશ્લેષણ દ્વારા સિમોંસ ન્યુકોમ્બનું માપ અસ્તિત્વમાં આવ્યું. આ માપ એ સૂર્ય અને
પ્રથ્વી વચ્ચેનું અંતર છે. જે 9,27,02,000 માઈલ (14,91,89,407 કિ.મી.) છે. આ માપને
ઇંટરનેશનલ સાયન્ટીફીક કોમ્યુનીટીએ માન્ય રાખ્યું અને આજે પાઠ્યપુસ્તકોમાં આ અંતરને
એક એસ્ટોનોમીકલ યુનિટ (AU) તરીકે ભણાવવામાં આવે છે.
8 જુન
2004 ના રોજ થયેલ શુક્ર પારગમન વખતે પુરી દુનિયામાં ખુબ ઉત્સાહ હતો કેમકે તે વખતે
દુનિયામાં એક પણ જીવિત વ્યક્તિ એવી ન હતી કે જેણે આ પારગમન પોતાની આંખે જોયું હોય.
કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબ દ્વારા ભુજ ખાતે ઇન્દ્રાબાઈ કન્યા વિધ્યાલયમાં
જાહેર જનતા માટે અવલોકનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં ભુજ વાસીઓ ઉમટી પડ્યા
હતા.
સોહામણો ગ્રહ શુક્ર
પૌરાણીક
ગ્રંથોમાં દાનવોના ગુરૂ શુક્રાચાર્યના નામથી ઓળખાતા શુક્ર ગ્રહનું પ્રાચિન
સભ્યતાઓમાં અનેરૂં સ્થાન છે. દેવો અને દાનવો વચ્ચે થતી લડાઈ દરમ્યાન જે દાનવો મરણ
પામતા તેમને શુક્રાચાર્ય ફરી થી જીવંત બનાવી દેતા. તેમની પાસે સંજીવની વિદ્યા હતી.
ક્યારેક સવારે તો ક્યારેક સાંજે ખુબ જ પ્રકાશિત દેખાતા શુક્ર ગ્રહને પ્રભાત તારો
કે સાંધ્ય તારા તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાચીન રોમના લોકો આ બન્ને અલગ અલગ
તારાઓ છે તેમ માનતા. ઇજીપ્તના લોકો તેને ખરાબ ગ્રહ તરીકે ઓળખતા! કેમ કે સૂર્ય
ભગવાનના રથથી તે આગળ ચાલતો હતો ગ્રીક સંસ્કૃતિમાં તે સૌંદર્યની દેવી વીનસ તરીકે
પ્રખ્યાત છે. હાથમાં અરીસો લીધેલી દેવી તરીકે તેના સુંદર ચિત્રો યુરોપીયન
સ્થાપત્યોમાં હજી પણ જોવા મળે છે. શુક્ર ગ્રહ સ્ત્રી જાતીનું પ્રતિનિધિત્વ કરતો
હોય તેમ શુક્ર ગ્રહ ઉપર જેટલા પણ મેદાનો, પહાડો, ખીણોનું જે નામ કરણ કરવામાં આવ્યું
છે. તે તમામ પ્રદેશો કોઇ ને કોઈ પૌરાણીક, ઐતિહાસીક કે પ્રસિધ્ધ મહિલાઓ કે દેવીના
નામો આપવામાં આવ્યા છે. જેમાં એક વિસ્તારનું નામ વિષ્ણું પત્ની લક્ષ્મીના નામે પણ
ઓળખાય છે. શુક્ર ગ્રહ ઉપર એક માત્ર પુરુષનામ મેક્સવેલના નામે ઓળખાતો પર્વત છે.
શુક્ર ગ્રહને પૃથ્વીનો જોડીયો ગ્રહ (સિસ્ટર પ્લેનેટ)
તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની પૃથ્વી સાથેની કેટલીક સમાનતા અને કેટલીક
લાક્ષણીકતાઓ ખુબ નોંધપાત્ર છે. દૂરબીન અને ટેલીસ્કોપની શોધ બાદ શુક્ર ગ્રહનું
નિરિક્ષણ વિસ્મયકારક અને રોમાંચક હતું. આંતરિક ગ્રહ હોવાને કારણે, ચંદ્રની જેમ
તેની કળાઓ ખુબ સુંદર દેખાય છે પરંતુ ખુબ શક્તિશાળી ટેલીસ્કોપથી નિરિક્ષણ કરવા છતાં
તેની સપાટીનું નિરિક્ષણ કરવામાં ખગોળશાસ્ત્રી ઓ નિષ્ફળ રહ્યા. શુક્ર પારગમન વખતે
શુક્ર ગ્રહને વાતાવરણ છે તેની પુષ્ટી મળી. શુક્ર ગ્રહ તમામ ગ્રહોમાં સૌથી વધુ
ચમકતો છે. તે ચમક તેના ઘટ્ટ વાતાવરણને કારણે છે. તેના ઘટ્ટ વાતાવરણમાં 96% કાર્બન
ડાયોક્સાઈડ અને સલ્ફ્યુરીક એસિડ હોવાથી મોટા ભાગના સૂર્યપ્રકાશનું તે પરાવર્તન
કરતો હોવાથી વધુ પ્રકાશીત દેખાય છે. ગ્રીન હાઉસ ઈફેક્ટને કારણે તેનું ઉષ્ણતામાન
480˚
સેંટીગ્રેડ છે. જે તેને સૂર્યમાળામાં સૌથી ગરમ ગ્રહ તરીકેનું બિરૂદ અપાવે છે. તેના ઉપર સીસું પણ ઓગળી જાય તેટલી ગરમી
છે. તેનું કદ પૃથ્વીના કદની નજીક છે. પરંતુ તેની કેટલીક લાક્ષણીકતાઓ તેને પૃથ્વીથી
તેમજ અન્ય ગ્રહોથી અલગ તારવે છે. આ ગ્રહ ઉલટો ફરે છે. આને પરિણામે શુક્ર ઉપર સૂર્ય
પશ્ચિમમાં ઉગે છે અને પૂર્વમાં આથમે છે. તે અન્ય ગ્રહોની સરખામણીએ પોતાની ધરી ઉપર
અતિશય ધીમી ગતી એ ફરતો હોઈ તેની ધરી ભ્રમણનો સમય પૃથ્વીના 243 દિવસ જેટલો છે
જ્યારે સૂર્ય ફરતે પરિક્રમણનો સમય પૃથ્વીના 225 દિવસ જેટલો છે. આમ શુક્ર ઉપરનો
દિવસ તેના વર્ષ કરતાં પણ મોટો છે.
શુક્ર પારગમન જોતી વખતે રાખવાની
સાવધાની
સૂર્ય
સામે નરી આંખે ક્યારેય જોવું નહીં. દુરબીન કે ટેલિસ્કોપથી પણ સૂર્ય સામે જોવું
નહીં. પાણીમાં પ્રતિબિંબ મેળવીને કે કાચ ઉપર મેશ લગવીને કે એક્ષ રે, કેમેરાના
રોલની મદદથી પારગમન જોવાથી આંખોને નુકશાન થઈ શકે છે.યોગ્ય અને વૈજ્ઞાનિક રીતે
ચકાસણી કરેલ ચશ્માની મદદથી, 16 નંબરના વેલ્ડીંગ ગ્લાસની મદદથી સૂર્યનું અવલોકન કરી
શકાય, અવલોકન કરતી વખતે પણ લાંબો વખત સૂર્ય સામે જોવું નહીં થોડી થોડી વારે આંખોને
આરામ આપવો જોઈએ. સૌથી સલામત રીત સૂર્યનું પ્રતિબિંબ મેળવી અવલોકન કરવાની રીત છે.
પીન હોલની મદદથી, દૂરબીન કે ટેલીસ્કોપની મદદથી સૂર્યનું પ્રતિબિંબ સફેદ કાગળ કે
દિવાલ ઉપર મેળવી સારી રીતે અવલોકન કરી શકાય છે. આંખમાં બળતરા થાય, અચાનક ઝાંખું
દેખાય જેવા કિસ્સામાં તાત્કાલિક આંખના નિષ્ણાત તબિબનો સંપર્ક સાધવો જોઈએ.
શુક્ર
પારગમનની ઘટના ભારતિય સમય પ્રમાણે વહેલી સવારે 03.39 કલાકે શરૂ થશે. આથી પારગમનના
પ્રથમ બે તબક્કા ભારતમાં જોવા મળશે નહીં સૂર્યનો ઉદય થશે ત્યારે શુક્ર ગ્રહ
સૂર્યની તકતી ઉપર આવી ગયો હશે આમ સૂર્યોદયનું દ્રશ્ય ખુબ મનોહર હશે. આ માટે જ્યાં
પૂર્વ દિશા ખુલી હોય તેવું કોઈ ઊંચું સ્થાન નિરિક્ષણ માટે પસંદ કરવું જોઈએ. ભુજ
વાસીઓ માટે કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબ તરફ્થી તારીખ ૬-જુન ના સવારે સૂર્યોદયથી 07.30 કલાક
સુધી સુરલભિટ્ટની ટેકરી ઉપર તથા ત્યાર બાદ સવારે 8.00 થી 10.30 સુધી ભુજની
ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમય દરમિયાન લોકોને તથા
ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે સૂર્યમાળાના રહસ્યો સમજાવવા માટે કેટલાક પ્રયોગો,
નિદર્શન તથા ફિલ્મ દર્શાવવાનું આયોજન પણ ક્લબ તરફથી કરવામાં આવેલ છે. કચ્છમાં
વિવિધ સ્થળોએ જેવાકે નલીયા- કિશનભાઈ નિઝાર
9428683287, નખત્રણા- પ્રવીણ બગ્ગા 9825895108, અંજાર - પ્રતાપ સેવક 9974650814,
રાપર - દિનેશ પંચાલ-9925547242, કુકમા - ઉમેશ ચૌહાણ ૮૪૬૦૪૭૩૦૯૨ દ્વારા વ્યવસ્થા
ગોઠવવામાં આવી છે. આ બાબતે વિશેષ માહિતિ માર્ગદર્શન માટે 9428220472 ઉપર ક્લબનો
સંપર્ક સાધવા આથી જણાવવામાં આવે છે.
શુક્ર પારગમનનો ઈતિહાસ તથા ગુજરાતના
વિવિધ સ્થળોના સૂર્યોદયનો સમય દર્શાવતો કોઠો
ક્રમાંક
|
વર્ષ
|
તારીખ
|
નિરિક્ષક
|
શહેરનું
નામ
|
સૂર્યોદયનો સમય
|
1
|
1631
|
07
ડિસેમ્બર
|
કોઈ નહીં
|
અમદાવાદ
|
૦૫ ક. ૪૫
મિ.
|
2
|
1639
|
04
ડિસેમ્બર
|
જેરેમિયાહ્
હોર્રોક્સ અને વિલિયમ કેબ્ટ્રી
|
રાજકોટ
|
૦૫ ક. ૦૩
મિ.
|
3
|
1761
|
06 જુન
|
મીખાઈલ
લોમોનોસોવ તથા અન્ય
|
જામનગર
|
૦૬ ક. ૦૫
મિ.
|
4
|
1769
|
03 જુન
|
જેમ્સ કૂક,
ક્રિસ્ટિયન મેયર,સર બૈંક્સ, તેમજ અન્ય
|
ભાવનગર
|
૦૫ ક. ૫૯
મિ.
|
5
|
1874
|
09
ડિસેમ્બર
|
ચન્દ્રશેખર
સામંત, શાસ્ત્રી રગુનાથ ચારી, એમિલ બેકર,
|
જૂનાગઢ
|
૦૬ ક. ૦૬
મિ.
|
6
|
1882
|
06
ડિસેમ્બર
|
હજારો
લોકો
|
ભુજ
|
૦૬ ક ૦૪
મિ.
|
7
|
2004
|
08 જુન
|
લાખો લોકો
|
પાલનપુર
|
૦૫ ક. 51
મિ.
|
8
|
2012
|
06 જુન
|
કરોડો
લોકો?
|
વડોદરા
|
૦૫ ક. ૫૧
મિ.
|
Shukra Pargaman Important Address by Shri Narendra Modi C.M. Gujarat
No comments:
Post a Comment