Thursday, June 16, 2011

Total Lunar Eclipse 15 June 2011

કચ્છ વાસીઓએ નિહાળ્યો ચંદ્ર ગ્રહણ નો નઝારો તસ્વીર તથા અહેવાલ નરેન્દ્ર ગોર દ્વારા

ગત રાત્રે સૌથી લાંબો સમય ચાલેલ ચંદ્ર ગ્રહણ ની ઘટનાએ કચ્છના લોકોમાં ખુબ ઉત્સુકતા જગાવી હતી. જમી પરવારીને લોકો અગાસી, ધાબા, કે ખુલ્લામાં આવી ગયા હતા. કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબ તરફથી જીલ્લાના વિવિધ સ્થળોએ ટેલીસ્કોપ તથા દૂરબીન દ્વારા ચંદ્ર ગ્રહણ ની વિવિધ સ્થિતિઓ બતાવવામાં આવી હતી. ભુજ માં મુન્દ્રા રિલોકેશન સાઈટ, રાપર માં સીયારીયા વાસ ખાતે દિનેશ પંચાલ દ્વારા, અંજારના ધમડકા ખાતે અબ્દુલ કરીમ ખત્રી દ્વારા, નખત્રાણા માં પ્રવીણ બગ્ગા દ્વારા, કોઠારા તથા નલીયા માં નિશાંત ગોર તથા કિશન નિજાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું. ભુજ ખાતેના કાર્યક્રમમાં ૮૦ જેટલા લોકોએ લાભ લીધો હતો
આ બાબતે માહિતી આપતાં કલબના પ્રમુખ નરેન્દ્ર ગોરે જણાવ્યું હતું કે ગ્રહણ દરમ્યાન ચંદ્ર ની લાલીમાં, ગ્રસ્ત થતા ચંદ્ર દરમ્યાન તારાઓની તેજસ્વીતામાં થતો ફેરફાર, ચંદ્રની પાછળ રહેલ આકાશ ગંગાનું નિરીક્ષણ, તારાઓનું ચંદ્ર દ્વારા થતું પીધાન જેવી વૈજ્ઞાનિક બાબતો નું નિરીક્ષણ તથા નોંઘ તૈયાર કરવામાં આવી હતી,
બરાબર ૧૧ .૫૧ મીનીટે ચંદ્ર ઘેરાવાનું શરુ થયું હતું પ્રથમ કાળો દેખાતો ચંદ્ર જેમ જેમ ઘેરાતો ગયો તેમ તેમ લાલ થતો ગયો હતો. શરૂઆતમાં વાદળોએ નિરીક્ષણ માં અનુકૂળતા કરી આપી હતી પરંતુ પૂર્ણ ગ્રહણ શરુ થયા બાદ વાદળોના ધાડા ચડી આવ્યા હતા જેણે આખો ખેલ બગાડી નાખ્યો હતો. બે વાગ્યા બાદ વાદળો એ મચક આપી ન હતી અને ક્યારેક જ જોવા મળતાં ગ્રહણ નો પહેલો ભાગ જોઈ ને ખગોળ શોખીનોએ સંતોષ માન્યો હતો. કાર્યક્રમ ને સફળ બનાવવા રાહુલ ઝોટા, અમિત હેડાઉ, ગુંજન દોશી, પાયલોટ હાર્દિક ભાટિયા, ભૂમિત ગઢવી, અભી ગોસ્વામી, મયુર બગ્ગા, વગેરે એ જહેમત ઉઠાવી હતી.

કેટલાક મહત્વના નિરીક્ષણો
૧ રાત્રે ૧૨ ને ૫૨ મીનીટે ૫૧ સર્પધર (51 Ophiuchi) તારાનું પીધાન જોવા મળ્યું જે વિરલ ઘટના હતી.
૨ . સંપૂર્ણ ચંદ્ર ગ્રહણ દરમ્યાન આકાશ ગંગા જોવા મળી ન હતી જેનું કારણ એ હતું કે ભુજ માં પ્રકાશ પ્રદુષણ નું પ્રમાણ વધી ગયું છે.
૩. પૂર્ણ ચંદ્રમા વખતે ચંદ્ર ની આસપાસ ન દેખાતાં તારાઓ પૂર્ણ ચંદ્ર ગ્રહણ થતા એકાએક સારી રીતે જોવા મળ્યા હતા.
૪. વૃશ્ચિક અને ધનુ રાશી સાથે સર્પ ધર ખુબજ સારી રીતે જોવા મળ્યા હતા
૫. લોકોમાં ખાસ કરીને બાળકો માં ઉત્સાહ ઘણો હતો અને જીદ કરીને પોતાના વાલીઓ ની સાથે ગ્રહણ ની ઘટના ને માણી હતી.
૬. ટેલીફોન ઉપર લોકોએ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો જેમાં ખાસ કરી ને ગ્રહણ દરમ્યાન રાત્રે ખુલ્લા માં સુવું સલામત છે કે કેમ, નરી આંખે ગ્રહણ જોવાય કે કેમ? ગર્ભવતી સ્ત્રીઓને ગ્રહણ દરમ્યાન કંઈ નુકશાન તો નહીં થયાને? જેવા પ્રશ્નો પૂછવામાં આવતાં હતા જેનો કલબના પ્રમુખ શ્રી નરેન્દ્ર ગોરે સંતોષ કારક અને વૈજ્ઞાનિક અભિગમથી જવાબો આપ્યા હતા.
No comments:

Post a Comment