Tuesday, November 16, 2010

Leonids

-- સિંહ ઉલ્કા વર્ષા નિહાળવા સજ્જ થતા કચ્છના ખગોળ શોખીનો
-- તારીખ ૧૭ નવેમ્બરની રાત્રે સિંહ રાશિમાં કલાકની ૪૦ વધુ ઉલકાઓ ખરતી જોવા મળશે
-- સિંહ રાશી નો ઉદય રાત્રે ૧.૦૦ વાગે થશે
-- રાત્રે ૩.૨૪ વાગ્યે ચંદ્રના અસ્ત બાદ વધારે ઉલકાઓ જોવા મળશે
-- ઉલ્કા વર્ષા જોવા માટેનો શ્રેષ્ઠ સમય સવારના ૩.૩૦ થી ૫.૩૦
-- કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબ ક્લબ દ્વારા યોજાયેલ વાર્તાલાપ
ભુજ તા. ૧૬ દર વર્ષે થતી સિંહ ઉલ્કા વર્ષા જોવા માટે સજ્જ થવા કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબ ક્લબ દ્વારા યોજાયેલ વાર્તાલાપ દરમ્યાન શ્રી નરેન્દ્ર ગોરે ઉપર મુજબ જણાવ્યું હતું. આ ઉલ્કા વર્ષા ટેમ્પલ ટટલ નામના ધૂમકેતુએ વેરેલા દ્રવ્ય દ્વારા થાય છે. આ વર્ષે સુદ અગિયારસ નો ચંદ્રમા થોડા સમય માટે બાધારૂપ બનશે પરંતુ ૧૭ તારીખ ના મોડી રાત્રી બાદ એટલેકે ૧૮ મીની વહેલી સવારે ૩.૨૪ કલાકે તે અસ્ત પામી જતા ઉલ્કાઓ સારી રીતે નિહાળી શકાશે. સિંહ રાશી નો ઉદય મધ્ય રાત્રી બાદ થતો હોઈ ઉલ્કા વર્ષા પણ ત્યાર બાદ જ શરૂ થશે. આથી આખી રાત્રી ઉજાગરો કરવા કરતાં વહેલી સવારના ૩.૩૦ થી ૫.૩૦ દરમ્યાન જો ઉલ્કાઓનું નિરીક્ષણ કરવામાં આવે તો પણ સારી ઉલ્કાઓ જોવા મળવાની સંભાવના છે. રાત્રે કંઈ દિશામાં ઉલ્કાઓ જોવી જોઈએ ? તેવા પ્રશ્નના જવાબ માં શ્રી ગોરે જણાવ્યું હતું કે શહેરના પ્રકાશિત વાતાવરણ થી દૂરનું સ્થળ આદર્શ સ્થળ કહી શકાય પરંતુ જો ત્યાં ન જઈ શકાય તો જે દિશામાં અંધારું વધારે હોય તે દિશા તરફ મુખ રાખવાથી પણ થોડી ઘણી પ્રકાશિત ઉલ્કાઓ જોઈ શકાશે. ઉલ્કા વર્ષા નિહાળવા માટે કોઈ દૂરબીન કે ટેલીસ્કોપ જેવા સાધનની જરૂર નથી. આ વખતે વાતાવરણ માં રહેલા વાદળો ઉલ્કા વર્ષા જોવા માટે વિલન બની શકે તેમ છે પરંતુ હવે વાદળો વિખેરાવા મંડ્યા છે ત્યારે વહેલી સવારનું આકાશ સ્વચ્છ રહેવાની આશા છે.
ઉલ્કાઓ ની વ્યવસ્થિત નોંઘ થાય અને તે નોંઘ ક્લબ ને મોકલવામાં આવે તેવો અનુરોધ કરતાં તેમણે જણાવ્યું કે આવો ડેટા આંતર રાષ્ટ્રીય સંસ્થાને ઉપયોગી પુરવાર થાય તેમ છે. કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબ દ્વારા ઉલ્કા વર્ષા નિરીક્ષણ નો કાર્યક્રમ અવકાશ પ્રેમીઓના માનીતા સ્થળ ધોંસા ખાતે રાખવામાં આવેલ છે જે માટે ૯૪૨૮૨૨૦૪૭૨ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. વાર્તાલાપ દરમ્યાન કલબના વિજય વ્યાસે ૧૯૯૮ ના વર્ષ માં થયેલ ભવ્ય ઉલ્કા વર્ષા ના અનુભવો વર્ણવ્યા હતા. રાહુલ ઝોટાએ સ્વાગત કર્યું હતું, નિશાંત ગોરે વ્યવસ્થા સાંભળી હતી જયારે ગુંજન દોશી, આશિષ કોંઢીયા, અર્ચન સોની, ધૈર્ય પટેલ, ભવ્ય મહેતા, વગેરે પ્રશ્નોત્તરી કરી હતી.

No comments:

Post a Comment