Friday, May 14, 2010

ચંદ્ર શુક્ર પીધાન એક અનોખી ખગોળીય ઘટના


ચંદ્ર શુક્ર પીધાન એક અનોખી ખગોળીય ઘટના ---- અહેવાલ નરેન્દ્ર ગોર સાગર

ભુજ: આકાશમાં દેખાતાં સૂર્ય પછીના સૌથી વધુ પ્રકાશિત પદાર્થોનું મિલન ૧૬મી મે ના રોજ થનાર છે. આ સુંદર ઘટના ભારતમાં જોઈ શકાશે. આ ઘટના નિહાળવાનો સમય જો રાત્રીનો હોય તો ખુબજ મજા આવે પરંતુ ૧૬મી મે નો દિવસ અખાત્રીજનો દિવસ છે. એમ કહેવાય છે કે આ દિવસ લગ્ન જીવન શરુ કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આથી આ દિવસે હજારો નવ દંપતિ પ્રભુતામાં પગલાં માંડશે. અહી એક પતિ અને પત્નીનું મધુર મિલન થાય છે ત્યારેજ આકાશમાં પ્રેમના પ્રતિક એવા શુક્ર અને ચંદ્રનું મિલન થઇ રહ્યું હશે જે ઘટના ખરેખર અદભૂત હશે.

વાત જાણે એમ છે કે સૂર્ય પછી આકાશમાં સૌથી વધુ પ્રકાશિત પદાર્થ ચંદ્ર અને શુક્ર છે. આ બંનેનું મિલન સૂર્ય મહારાજની સાક્ષીએ એટલે કે દિવસના થશે અને આપણે સૌ આ ઘટના નિહાળી શકીશું. આ યુતિને જોવા માટે સાદું દૂરબીન કે ટેલિસ્કોપની મદદ લેવી પડશે. સૌ પ્રથમ દિવસના આકાશમાં ત્રીજનો ચંદ્ર શોધવો પડશે. ચંદ્ર સૂર્યથી પૂર્વ બાજુ લગભગ ૩૦ અંશ દુર હશે. જો ચંદ્ર દેખાઈ આવે તો તેની બાજુમાં આવેલ શુક્રનો ગ્રહ તરતજ દેખાઈ આવશે. તે દિવસે ચંદ્રનો ઉદય સવારના ૭ કલાક ૫૧ મીનીટે થશે જયારે તેનો અસ્ત રાત્રે ૯ કલાક ૫૫ મીનીટે થશે. આમ ચંદ્ર શુક્રની યુતિ ચંદ્રના અસ્ત સમય સુધી જોઈ શકાશે. પણ જેમને પીધાન જોવું છે તેઓ બપોરના ૩ કલાક ૩૫ મીનીટે ચંદ્રનો જે ભાગ અપ્રકાશિત છે એટલેકે ચંદ્રની ચળકતી કોરની સામેની બાજુએથી શુક્રને અદ્રશ્ય થતો જોઈ શકશે. આ ઘટના ખરેખર ખુબજ નયનરમ્ય હશે. ચંદ્ર ની પાછળ શુક્રના ગુમ થઇ ગયા બાદ આકાશમાં બન્ને પદાર્થ પોતાની ગતિથી ફર્યા કરતા હોવાથી સાડા ત્રણ વાગ્યે અદ્રશ્ય થયેલો શુક્ર સાંજે પાંચ વાગીને તેર મીનીટે ચંદ્રની ચળકતી કોર પાસેથી બહાર નીકળશે. આમ શુક્રનું અદ્રશ્ય થવું અને ફરીથી દેખાવું આ બન્ને દ્રશ્યો ખગોળ રસિયા તેમજ બારીકાઈથી નિરીક્ષણ કરનારાઓ માટે ખુબજ યાદગાર બની રહેશે. સાંજના ભાગે સૂર્યનો તાપ થોડો ઓછો થયો હોઈ શુક્રનું ફરીથી દેખાવાનું દ્રશ્ય થોડી મહેનત કરવાથી નરી આંખે પણ જોઈ શકાશે.

ચંદ્ર શુક્રનું આવું માધુર્ય મિલન આશરે દોઢ કલાક ચાલશે જે દરમ્યાન શુક્રને જોઈ શકાશે નહિ.

આમ જેને સૌન્દર્ય અને પ્રેમના પ્રતિક ગણાય છે એવા શુક્ર અને ચંદ્રનું મિલન અક્ષય તૃતિયાના દિવસે મધુર મિલન ઝંખતા નવ દંપતીઓ માટે નવલું નઝરાણું લઈને આવ્યું હોય તેમ જણાય છે. જયારે સૂર્યનો અસ્ત થશે અને ધીમે ધીમે અંધારું થશે ત્યારે પશ્ચિમ આકાશમાં વિદાય થતાં આ પ્રેમી યુગલ જેવા શુક્ર અને ચંદ્ર એક બીજાને આલિંગન લઈને બેઠા હશે ત્યારે JUST MARRIED નું સંબોધન તેમને માટે પણ ઉપયુક્ત લાગશે. લોકોને આ ઘટના કોઈ પણ ભય વગર નિહાળવા અપીલ કરવામાં આવે છે. બાબતે વધુ માહિતી માટે નરેન્દ્ર ગોર કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબ નો ૯૪૨૮૨૨૦૪૭૨ ઉપર સંપર્ક સાધવા જણાવવા માં આવે છે.

અહેવાલ લેખન

નરેન્દ્ર ગોર

કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબ

વિશેષ નોંઘ

- શુક્ર ચંદ્ર સામે જોતી વખતે સૂર્ય તરફ ન જોઈ લેવાય તેની ખાસ કાળજી લેવી. સૂર્ય સામે નરી આંખે જોવાથી આંખો ને નુકસાન થઇ શકે છે.

- જયારે કોઈ પણ અવકાશી પદાર્થને ચંદ્ર ઢાંકી દે છે તે ઘટનાને પીધાન કહે છે. જયારે કોઈ પણ બે પદાર્થ એક બીજાની નજીક આવે ત્યારે તે ઘટનાને યુતિ કહેવામાં આવે છે. સુર્યાસ્ત પછી ચંદ્ર શુક્રની યુતિ જોઈ શકાશે.

- ચંદ્ર પ્રથ્વીની ખુબ નજીક હોઈને તે બીજા પદાર્થોને આડે આવી શકે છે. આ ઘટના ફક્ત ખગોળીય ઘટના છે તેનાથી કોઈનું હિત કે અહિત થતું નથી જેથી આ બાબતે અફવાઓ કે ખોટા વહેમોથી દુર રહેવા કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબ સહુને અપીલ કરે છે.

- ચંદ્ર - શુક્રના પીધાનના તેમજ ઉદય અને અસ્તના સમયમાં અલગ અલગ સ્થળ પરત્વે થોડી મીનીટોનો તફાવત આવી શકે છે.

- વિજ્ઞાન શોખીનો કે જેઓ આ યુતિનો અભ્યાસ કરવા માંગે છે તેમણે તેમના નિરીક્ષણો કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબ એસ- ૪ સંધ્યા એપાર્ટમેન્ટ, સુર મંદિર સિનેમા પાસે ભુજ મો નં 9428220472 ના સરનામે મોકલી આપવા, નિરીક્ષણોમાં - તમે દિવસના ભાગમાં શુક્રને જોઈ શક્યાકે કેમ?, જો તમે પીધાનની ઘટનાને નિહાળી હોય તો શુક્રનો અદ્રશ્ય થવાનો સમય તથા ફરીથી દેખાવાનો સમય જણાવવા વિનંતી કરવામાં આવે છે.

- આ અગાઉ બનેલ કેટલીક ઘટનાઓ કે જે ભારત માં દેખાયેલ હતી.

૧. ૧૪/૦૪/૨૦૦૭ ચંદ્ર મંગળ પીધાન

૨. ૧૦/૧૧/૨૦૦૪ ચંદ્ર શુક્ર પીધાન

૩. ૨૯/૦૫/૨૦૦૩ ચંદ્ર શુક્ર પીધાન

૪. ૨૩/૦૪/૧૯૯૮ ચંદ્ર ગુરુ અને ચંદ્ર શુક્ર પીધાન આવું બે ગ્રહો સાથેનું પીધાન આ અગાઉ ઈ.સન ૫૬૭ માં બનેલ હતું.

નરેન્દ્ર ગોર

કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબ

E-mail Address:- narendragor@gmail.com

1 comment:

  1. Great post and great style of writing...! Plz also post those snaps which you have got..

    ReplyDelete