યાદી
દર વખતની જેમ આ વખતે પણ સિંહ ઉલ્કા વર્ષા ને નિહાળવા ખગોળ શાસ્ત્રીઓ તથા ખગોળ રસિકો ઉત્કંઠા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. લોકબોલીમાં જેને ખરતો તારો તરીકે ઓળખવામાં આવે છે તે ખરતા તારા કોઈ પણ અંધારી રાતે તમે જોઈ શકો છો. પરંતુ ૧૭ નવેમ્બર ની રાત્રીએ તો ખરતા તારા ની વર્ષા થવાની હોઈ ઉલ્કા વર્ષા નામ આપવામાં આવ્યું છે. આ બાબતે કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ કલબના પ્રમુખ શ્રી નરેન્દ્ર ગોર સાગર વધુ માહિતી આપતાં જણાવે છે કે સામાન્ય રીતે ઉલ્કા એ નાના રજકણથી માંડી ને નાના કાંકરા ના કદના પથ્થરના ટુકડાઓ છે. આવો જથ્થો મોટાભાગે ધૂમકેતુઓ દ્વારા છોડવામાં આવે છે. આપણી કહેવત "સાપ ગયા ને લીસોટા રહ્યા" ની જેમ ધૂમકેતુ જાય પણ એનો કચરો રહી જાય તેમ પૃથ્વી જયારે જયારે આવા જથ્થા પાસેથી પસાર થાય ત્યારે ત્યારે તે જથ્થાને પોતાના ગુરુત્વાકર્ષણ બળ ની મદદથી પોતાની તરફ ખેંચી લે છે. આવા કણો તીવ્ર ગતિથી પૃથ્વી તરફ આવે છે ત્યારે પૃથ્વીના વાતાવરણ ના અણુઓ સાથે ઘર્ષણ કરી તેને વીજભારીત કરી સળગે છે જેને આપણે પ્રકાશિત ઉલ્કા સ્વરૂપે જોઈએ છીએ. સિંહ ઉલ્કા વર્ષા દર વર્ષે નવેમ્બર માસની ૧૩ થી ૨૦ તારીખ દરમ્યાન થાય છે જેમાં ૧૭ મી તારીખે સૌથી વધુ એટલેકે કલાક ની ૧૦૦ ઉલ્કાઓ દેખાવાની સંભાવના છે. ઉલ્કા વર્ષાની ચરમ સીમા ભારતીય સમય પ્રમાણે ૧૮ મી તારીખે વહેલી સવારે 0૩.૧૩ કલાકની હોઈ પૂર્વ એશિયા ના દેશો કે જ્યાં સિંહ રાશી માથા ઉપર હશે ત્યાં ઘણી સારી રીતે માણી શકાશે. આ ઉલ્કા વર્ષા ૫૫પી/ટેમ્પલ ટટલ નામના ધૂમકેતુ એ વેરેલા પદાર્થ ના કારણે થવાની છે. આ ધૂમકેતુ દર ૩૩ વરસે સૂર્યનો ચકરાવો લે છે. આ વખતે પૃથ્વી ઈ.સ.૧૪૬૬ માં વેરલા પદાર્થો પાસેથી પસાર થવાની હોઈ અને તે ઢગલામાં સારી માત્રામાં રજકણો હોઈ વધારે ઉલ્કા ખરવાની સંભાવના ખગોળશાસ્ત્રીઓ નિહાળી રહ્યા છે.
પ્રશ્ન: આ ઉલ્કા વર્ષા ને સિંહ ઉલ્કા વર્ષા કેમ કહેવામાં આવે છે?
નરેન્દ્ર ગોર: આ ઉલ્કા વર્ષાનું કેન્દ્ર સિંહ રાશી છે. સિંહ રાશી માં મઘાની દાંતરડી તરીકે ઓળખાતા વિભાગમાંથી ઉલ્કા વર્ષા થશે. જો આપણે ખરતી ઉલ્કા ની ઉલટી દિશામાં રેખા દોરીએ તો તે તેના કેન્દ્ર એટલેકે સિંહ રાશી તરફ લઇ જશે
પ્રશ્ન: ખરતા તારા જોવા માટેનો સારો સમય કયો?
નરેન્દ્ર ગોર: સિંહ રાશી નો ઉદય થયા બાદ ઉલ્કા વર્ષાની શરૂઆત થશે. ૧૭ મી તારીખની રાત્રીએ સાડા બાર કલાકે (એટલે કે ૧૮ તારીખના) સિંહ રાશીનો ઉદય થશે. સિંહ રાશી આકાશમાં ઠીક ઠીક ઉંચે આવી જાય ત્યારે ઘણી ઉલ્કાઓ દેખાવાની સંભાવના હોય. આમ વહેલી સવારે ૨.૪૫ થી ૫.૦૦ સુધીનો સમય ઉલ્કા વર્ષા જોવાનો શ્રેષ્ઠ સમય કહી શકાય.
પ્રશ્ન:મને સિંહ રાશી કઈ છે તે ખબર નથી તો મારે આકાશ માં ક્યાં સ્થળે જોવું જોઈએ?
નરેન્દ્ર ગોર: આ ઉલ્કા વર્ષા સિંહ ઉલ્કા વર્ષા કહેવાય ખરી પણ સિંહ રાશી માં ઉલ્કાઓ જોવા નહિ મળે પણ તેની આજુબાજુ આખા આકાશમાં જોવા મળશે. આથી સિંહ રાશી ને ના ઓળખતા હો તો પણ ચિંતાનું કારણ નથી. ખુલી જગ્યા કે જ્યાં આજુ બાજુ ની લાઈટ હેરાન ના કરે ત્યાં આરામ ખુરશી ઉપર બેસીને અથવા સુઈને આકાશ માં નજર કરવાની છે. જરૂરી નથી કે પૂર્વ કે ઉતર દિશામાંજ જોવું. તમને આકાશમાં જ્યાં અંધારું જણાય ત્યાં જુઓ. થોડીવાર માં તમારી આંખો અંધારામાં ટેવાઈ જશે. ઠંડી ની રૂતુ હોઈ ઓઢવા પાથરવાનું સાથે રાખવું જોઈએ. ઉલ્કાની નોંધ કરવા નોટબૂક અને પેન પણ સાથે રાખવા જોઈએ.
પ્રશ્ન: ઉલ્કાની નોંધ કઈ રીતે કરવાની તેનો ઉપયોગ શું?
નરેન્દ્ર ગોર: આ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આપણે આ રીતે કુદરત દ્વારા થઇ રહેલ ઘટનાનું અવલોકન કરીએ છીએ. જો આપણે કઈ પણ ના જાણતા હોઈએ તો પણ આપણે એવી નોંધ તૈયાર કરી શકીએ છીએ જે ખગોળ શાસ્ત્રીઓને ઉપયોગી થઈ શકે. ઉદાહરણ તરીકે :દેખાએલી ઉલ્કા નો પ્રકાશ આછો, મધ્યમ કે વધુ પ્રકાશિત હતો? તેનો સમય, તેની લંબાઈ -ટૂંકી,મધ્યમ કે લાંબી હતી? તેનો પ્રકાશ ઝાંખો મધ્યમ કે પ્રકાશિત હતો? આપના સ્થળના અક્ષાંસ, રેખાંશ આ નોંધ આપની નજીકની એસ્ટ્રોનોમી ક્લબ કે વિજ્ઞાન કેન્દ્ર માં પહોચાડી શકો, આ સંસ્થાઓ તે વિગતો ઇન્ટર નેશનલ મેટિઓર ઓર્ગેનાઈઝેશન (IMO) ને મોકલી આપશે જ્યાં આખા વિશ્વ ના નિરીક્ષણો નું પૃથકરણ કરવામાં આવે છે.
પ્રશ્ન:કોઈ એસ્ટ્રોનોમી ક્લબ તરફથી ઉલ્કા વર્ષા નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી છે ખરી?
નરેન્દ્ર ગોર: કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ કલબ દ્વારા દર વર્ષે ઉલ્કાવર્ષા નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ વખતે પણ ભુજ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે જેની વિગતવાર માહિતી માટે ૯૪૨૮૨૨૦૪૭૨ ઉપર સંપર્ક કરવા વિનંતી છે.
આભાર સહ
No comments:
Post a Comment