ખંડ ગ્રાસ ચંદ્ર ગ્રહણ વર્ષ ૨૦૧૭નું એક માત્ર દ્રશ્યમાન ચંદ્ર ગ્રહણ
ગ્રહણને જીજ્ઞાસા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ થી નિહાળીએ
ચંદ્ર ગ્રહણ બાબતે ગુજરાત ભરના ખગોળ શોખીનોમાં અનેરો ઉત્સાહ
ભારતીય દિનાંક ૧૬ શ્રાવણ અને રક્ષાબંધન એટલેકે શ્રાવણ સુદ ૧૫ તા ૭મી ઓગષ્ટ ૨૦૧૭ના રાત્રે થનાર ચંદ્ર ગ્રહણ ભારત સહીત સંપૂર્ણ એશિયા, યુરોપ, આફ્રિકા વગેરે સ્થળો એ ખંડ ગ્રાસ રૂપે દેખાશે. ગ્રહણનો સ્પર્શ રાત્રીના ૧૦ વાગીને ૫૨ મીનીટે થશે જ્યારે મોક્ષ બાર વાગીને ૪૯ મીનીટે થશે. આમ આ ગ્રહણ ૧ કલાક ૪૭ મિનીટ સુધી દ્રશ્યમાન રહેશે તેવું કચ્છ એસ્ટ્રોનોમી ક્લબ નાં પ્રમુખ નરેન્દ્ર ગોર સાગરે જણાવ્યું હતું.
સૂર્ય ગ્રહણ કે ચંદ્ર ગ્રહણ હંમેશા લોકોમાં ચર્ચાનો વિષય રહ્યો છે. જ્યાં સુધી તેની સત્ય હકીકતથી લોકો માહિતગાર ન હતા ત્યારે કેટલીય કાલ્પનિક કથાઓ દરેક જાતી અને સ્થાનોમાં રહેતા લોકોમાં પ્રચલિત હતી. હવે આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે ગ્રહણ એ સૂર્ય અને ચંદ્રના પડછાયાની રમત છે. જ્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે ત્યારે ચંદ્ર ગ્રહણ થાય છે અને જ્યારે ચંદ્ર નો પડછાયો પૃથ્વી ઉપર પડે છે ત્યારે સૂર્ય ગ્રહણ થાય છે. ગ્રહણને ધાર્મિક વિધિ વિધાન તેમજ સામાજિક રીત રીવાજો સાથે પણ જોડવામાં આવ્યું હોવાથી લોકો પરંપરા ને અનુસરીને ગ્રહણ દરમિયાન દાન, વ્રત, સફાઈ વિગેરે કરતા હોય છે. પોતાની માન્યતા અનુસાર કરાતા વિધિ વિધાન સામે કોઈ વિરોધ ન હોઈ શકે પરંતુ ગ્રહણ દરમિયાન સૂર્ય કે ચંદ્ર ને રાક્ષસ ગળી જાય છે તેવી માન્યતાને દુર કરી વૈજ્ઞાનિક અભિગમ કેળવી આ ખગોળીય ઘટનાને માણવી જોઈએ. સૂર્ય ગ્રહણને નિહાળવા માટે ખાસ સાવધાનીઓ રાખવી પડતી હોય છે તેમજ નરી આંખે ન જોવાની સલાહ આપવામાં આવતી હોય છે પરંતુ ચંદ્ર ગ્રહણને નરી આંખે જોઈ શકાય છે તેમજ કેમેરા કે મોબાઈલની મદદથી ફોટોગ્રાફી પણ કરી શકાય છે તેવું શ્રી ગોરે જણાવ્યું હતું.
કચ્છ તેમજ ગુજરાતના ખગોળ શોખીનો તેમજ ગ્રહણને સાચી રીતે સમજનાર લોકો ગ્રહણને ખગોળીય ઘટના તરીકે જોતા હોવાથી તા. ૭ ઓગષ્ટના ગ્રહણ નો વૈજ્ઞાનિક અભ્યાસ તેમજ ફોટોગ્રાફી માટે ખુબ ઉત્સાહિત છે. વર્ષ ૨૦૧૭માં બે ચંદ્ર ગ્રહણ તથા બે સૂર્ય ગ્રહણ છે પરંતુ ફેબ્રુઆરી માં થયેલ ચંદ્ર ગ્રહણ માંદ્ય હોવાથી જોઈ શકાયું ન હતું તથા બંને સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાવાના ન હોવાથી આવનાર એક માત્ર ચંદ્રગ્રહણ તરફ જિજ્ઞાસુઓ આશ લગાવીને બેઠા છે ત્યારે લોકોને ગ્રહણ વિષે સાચી સમજણ આપવી, ઉપકરણોની મદદથી ચન્દ્રના પ્રકાશની તિવ્રતામાં થતો ઘટડો માપવો, ગ્રહણ ના વિવિધ તબ્બકાઓનું ટેલિસ્કોપ ની મદદથી નિરિક્ષણ કરી તેની સમય સહીત નોંધ કરવી, તેમજ ગ્રહણના વિવિધ તબ્બકાઓની ફોટોગ્રાફી કરવા સહીતના પ્રયોગો કરવાનું આયોજન રાજ્યની વિવિધ એસ્ટ્રોનોમી ક્લબો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ બાબતે વધુ માહિતી માટે કચ્છ એસ્ટ્રોનોમી ક્લબ નો ૯૪૨૮૨૨૦૪૭૨ ઉપર સંપર્ક કરવા યાદી થી જણાવવામા આવ્યું છે.
આપ સૌને ગ્રહણની હાર્દિક શુભેચ્છાઓ
આપ સૌને ગ્રહણની હાર્દિક શુભેચ્છાઓ