કચ્છના આકાશમાં પેનસ્ટારસ ધૂમકેતુ દેખાતાં ખગોળ શોખીનો રોમાંચિત
ઘણા દિવસની જહેમત બાદ પેનસ્ટારસ ધૂમકેતુ કચ્છના આકાશમાં દેખાયો
Bhuj
Comet Panstarrs seen from the sky of Kutch
Report: Narendra Gor
Photo By nishant Gor
ખગોળ શોખીનો જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે પેનસ્ટારસ (PANSTARRS) નામનો ધુમકેતુ આજે પ્રથમ વખત કચ્છ ના આકાશમાં જોવા મળ્યો હતો. માર્ચની ત્રીજી તારીખથી ઉત્તર ગોળાર્ધના ખગોળ શોખીનો તેને જોવા માટે પ્રયત્ન રત્ત હતા. પણ સફળતા મળતી ન હતી, છેલ્લે ગઈ કાલે જામનગર અને પૂના ખાતે આ ધુમકેતુ દેખાયો હતો ત્યારે ભુજના ખગોળ શોખીન નિશાંત ગોરે આ ધુમકેતુ ને પ્રથમ દૂરબીનથી અને ત્યાર બાદ નરી આંખે અને અંતે કેમેરામાં પણ ઝડપી લીધો હતો.
આ બાબતે જાણીતા ખગોળવિદ નરેન્દ્ર ગોર “સાગર” વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સૂર્યાસ્ત બાદ ફક્ત અડધા કલાકની આસપાસ દેખાતા આ ધૂમકેતુને સંધ્યાના પ્રકાશમાં શોધવો એક પડકાર ભર્યું કામ હતું. દિવસોની મથામણ બાદ તેનું સ્થાન શોધી કાઢવા બદલ નિશાંત ગોરને ભારતભરના ખગોળ શોખીનોએ અભિનંદન પાઠવ્યા છે. સી – ૨૦૧૧ – ૧૪ નામ ધરાવતો આ ધૂમકેતુ જુન ૨૦૧૧ના પેનોરેમીક સર્વે ટેલીસ્કોપ એન્ડ પેનારેમીક સર્વે રિસ્પોન્સ સિસ્ટમ (પેનસ્ટારસ (PANSTARRS) ) દ્વારા શોધી કાઢવામાં આવેલ હતો. ૫ – માર્ચ – ૨૦૧૩ના રોજ તે પૃથ્વીની સૌથી નજીકથી પસાર થયો હતો.
હવે પછી આ ધૂમકેતુ ૨૦ – માર્ચ – ૨૦૧૩ સુધી સામાન્ય દૂરબીનની મદદથી સૂર્યાસ્ત બાદ ચાલીસ મિનિટ સુધી પશ્ચીમ દિશામાં જોઈ શકાશે. આ બાબતે વધુ માહિતી માટે નરેન્દ્ર ગોર બાલાજી હોબી સેન્ટર ૯૪૨૮૨૨૦૪૭૨ નો સંપર્ક સાધવા જણાવવામાં આવે છે. ( ખાસ સૂચના :- દૂરબીનથી સૂર્ય તરફ જોવું નહીં સુર્ય તરફ જોવાથી કાયમી અંધાપો આવી શકે છે.)